ધ્યાનના પ્રકારો
આપે આપ વિચારતાં, મન પામે વિસરામ;
રસાસ્વાદ સુખ ઊપજે, અનુભવ તાકો નામ…
આતમ અનુભવ તીર સે, મીટે મોહ અંધાર;
આપ રૂપમેં ઝળહળે, નહિ તસ અંત ઓ’પાર…
– અધ્યાત્મ બાવની (પૂ. ચિદાનંદજી મહારાજ)
વિકલ્પોને પેલે પાર જઈ આત્મસ્વરૂપને એકાગ્રતાથી સંવેદનાર સાધકને અદ્ભુત રસ ચાખવા મળે છે. એ રસ તે જ અનુભવ.આત્માનુભૂતિને કિનારે આવતાં જ મોહનું અંધારું હટે છે, અને એ અનુભૂતિ આગળ ને આગળ ચાલ્યા કરે છે.
स्नानं मनोमलत्यागो, दानं चाभयदक्षिणा।
ज्ञानं तत्त्वार्थसम्बोधो, ध्यानं निर्विषयं मनः।।
મનના મેલનો ત્યાગ તે વાસ્તવિક સ્નાન છે. અભયદાન તે વાસ્તવિક દાન છે. તત્ત્વના અર્થની જાણકારી તે જ્ઞાન છે અને વિષયો (આસક્તિ) વગરનું મન બને તે ધ્યાન છે.
રૂપસ્થ ધ્યાન
રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી;
નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણિ અવસર હોય…૯૩
– સ્વરોદયજ્ઞાન (પૂ. ચિદાનંદજી)
પોતાની ભીતર ઊઠતા વિકારોને સાધક જુએ… મનમાં માત્ર જોવાનો ઉપયોગ ચાલ્યા કરે… આ જોવું તે દ્રષ્ટાભાવ.. દર્શનરૂપી ગુણની અહીં પ્રાપ્તિ થઈ. આ છે રૂપસ્થ ધ્યાન.
ઊગ્યો સમકિત રવિ ઝળહળતો, ભરમ તિમિર સવિ નાઠો રે…
અનુભવ ગુણ આવ્યો નિજ અંગે, મિટ્યો નિજ રૂપ માઠો રે…
– શ્રીપાળ રાસ, ખંડ ૪, ઢાળ ૧૩, મહો. યશોવિજયજી
સમ્યક્ત્વનો સૂર્ય ઝળહળતો ઊગે છે ત્યારે ભ્રમનું અંધારું દૂર થાય છે, અનુભૂતિ આવે છે અને શરીરાદિમાં ‘હું’પણાની બુદ્ધિ ટળે છે.
પદસ્થ ધ્યાન
તીર્થંકર પદવી પરધાન, ગુણ અનંત કો માનો સ્થાન;
ગુણ-વિચાર નિજ ગુણ જે લહે, ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે… ૯૪
– સ્વરોદયજ્ઞાન (પૂ. ચિદાનંદજી)
તીર્થંકર પદ શ્રેષ્ઠ પદ છે. અનંત ગુણોનું આ સ્થાન છે. એમના ગુણોનું પ્રતિબિંબ પોતાના હૃદયમાં જે ઝીલી શકે તે સાધક પદસ્થ ધ્યાનની ધારામાં છે.
અહનિશિ ધ્યાન અભ્યાસથી, મનસ્થિરતા જો હોય;
તો અનુભવ-લવ આજ ફુન, પાવે વિરલા કોય…૫૨
– સ્વરોદયજ્ઞાન (પૂ. ચિદાનંદજી)
રાત-દિવસના ધ્યાનાભ્યાસથી જો મન સ્થિર થાય તો આત્માનુભૂતિનાે આંશિક ઉઘાડ આજે પણ કો’ક વિરલા પામી શકે છે.
પિંડસ્થ ધ્યાન
ભેદજ્ઞાન અન્તર્ગત ધારે,
સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે;
શક્તિ વિચારી શાન્તતા પાવે,
તે પિંડસ્થ ધ્યાન કહેવાવે…૯૫
– સ્વરોદય જ્ઞાન, પૂ. ચિદાનંદજી મહારાજ
ભેદજ્ઞાન (હું દેહાદિકથી ભિન્ન છું એ અનુભૂતિ) ને સાધક ચિત્તમાં બરોબર સ્થિર કરે અને વિચારે કે સ્વની પરિણતિ ભિન્ન છે : આનંદમયી સ્થિતિની; પરની પરિણતિ ભિન્ન છે : રતિ-અરતિને ઝૂલે ઝૂલવાની… એ પછી આત્મશક્તિનો વિચાર કરી (આત્મશક્તિ દ્વારા સ્વ ભણી જઈને) એ શાન્તિને, આનંદને પામે છે. આ પિંડસ્થ ધ્યાન છે.
પિંડમાં-શરીરમાં રહેલ જ્યોતિર્મયનું દર્શન.
રૂપાતીત ધ્યાન
રૂપ રેખ જામેં નવિ કોઈ, અષ્ટગુણા કરી શિવપદ સોઈ;
તાકું ધ્યાવત તિહાં સમાવે, રૂપાતીત ધ્યાન સો પાવે.. ૯૬
– સ્વરોદયજ્ઞાન (પૂ. ચિદાનંદજી)
જેમાં કોઈ પણ રૂપની રેખા સુધ્ધાં નથી… આઠ ગુણો (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુતા અને અવ્યાબાધ સ્થિતિ) થી યુક્ત જે દશા મોક્ષ સ્વરૂપ છે; તે સ્વરૂપનું ધ્યાન કરનાર ધ્યાતા મોક્ષસુખની ઝાંખી મેળવે છે… આ રૂપાતીત ધ્યાન છે.
એહ ધ્યાને સુખ ઉપનું જેહ, ગૂંગે ગોલ ગળ્યા પરિ તેહ.
– પંચ પરમેષ્ઠિ મંત્રરાજ, ધ્યાનમાલા, ૧/૫
આ ધ્યાનથી જે સુખ ઊપજે છે, તેને કહી શકાતું નથી. મૂંગા માણસે ગોળ ખાધો, હવે એને પૂછો : કેવો લાગ્યો ગોળ? શું કહે એ?
કબીરજી યાદ આવે : ‘ગૂંગે કેરી સરકરા…’ મૂંગાએ સાકર ખાધી. આસ્વાદને એ કઈ રીતે વર્ણવે?
અવધૂ! અનુભવ કલિકા જાગી,
મતિ મેરી આતમ સુમિરન લાગી…
અનુભવ રસ મેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા;
કેવળ અચળ અનાદિ અબાધિત, શિવશંકર કા ભેટા.
વર્ષાબુંદ સમુંદ સમાની, ખબર ન પાવૈ કોઈ;
આનંદઘન વ્હૈં જ્યોતિ સમાવે, અલખ કહાવે સોઈ.
– પૂ. આનંદઘનજી મહારાજ
અવધૂ! અનુભવનો અંશ (કળી) ભીતર ઉદિત થયો છે. મારું મન હવે આત્મસ્મરણમાં લાગ્યું છે. અનુભવ રસમાં રોગ નથી, શોક નથી, ખોટા લોકવ્યવહાર નથી; માત્ર અચલ, અનાદિ, અબાધિત પરમતત્ત્વનું ત્યાં મિલન છે. વર્ષાનું બુંદ સમુદ્રમાં ગયું. હવે? એ ક્યાં ગયું તેનો પત્તો ન લાગે. એ જ રીતે જ્યોતિને પોતાની ભીતર સમાવે તે અલક્ષ્ય આત્મા છે.
Is same thing available in English or Hindi for my friend
If possible please upload few videos of previous maun sadhana shibir.
Pranam,
Dhyan na Adbhut prakaro aaiya jova maila enu Khub Khub Aanand thayou… Pan sathe sathe aapne Vinanti che ke Saheb na Pravachan nu Audio pan Jo Prapt thay too amari mate bahu Upkari thase…